સોમવાર, 21 એપ્રિલ, 2014

શ્રેણી - દૂરંદેશીનું મૂલ્ય :: ૮ :: જૅસ્સૅ લીન સ્ટૉનર :: માઇક મ્યાટ્ટ

આજના સમયમાં દીર્ઘ દર્શન પ્રસ્તુત રહ્યું છે ખરૂં ? - માઇક મ્યાટ્ટ, N2growth ના મુખ્ય સંચાલક અધિકારી
એક જ શબ્દમાં જવાબ આપવો હોય તો જવાબ "હા" છે. મારૂં તો હંમેશનું માનવું રહ્યું છે કે દીર્ઘ દર્શન વિનાનું નેતૃત્વતો આંખે પાટા બાંધીને વાહન ચલાવવા બરાબર છે - છેલ્લે તો તે ભટકી જાય છે. સરેરાશ કક્ષાનાં થતાં જવું, અપ્રસ્તુત બનતાં જવું કે / અને (પરિણામે) કાળગ્રસ્ત બની જવું જેવી પરિસ્થિતિઓ દ્વારા, દીર્ઘ દર્શનનું અગત્ય તેની ગેરહાજરીમાં વરતાય છે.
મારાં અત્યાર સુધીનાં વિધાનો જો તમને સાચાં જણાતાં હોય તો મારો સવાલ એ છે કે, મોટાં ભાગનાં વ્યાવસાયિક સંસ્થાનોને સંસક્ત, સંરેખિત દીર્ઘ દર્શનનાં સર્જનમાં ફાંફાં કેમ મારવાં પડતાં હોય છે?  કમનસીબે,  જવાબ છે કે, મોટાભાગના અગ્રણીઓ નેતૃત્વ પૂરૂં પાડવામાં ઊણા ઉતરતા હોય છે.
સંસ્થાઓને દીર્ઘદર્શન વિષે સમસ્યા નથી, સમસ્યા તો છે નેતૃત્વની. અગ્રણી સ્થાન કે હોદ્દો હોવા માત્રથી નેતા નથી બની શકાતું. હું થોડી સ્પષ્ટ ભાષામાં વાત કહીશ...દીર્ઘ દૃષ્ટિ વિનાનાં નેતૃત્વને  તો હાંસીપાત્રથી ઓછું કહી શકાય તેમ નથી. દીર્ઘ દર્શન એ કંઇ અલૌકિક અગડં બહડં નથી; તે તો સંસ્થાનાં મૂલ્યોની મૂળભૂત અભિવ્યક્તિ છે. દીર્ધ દર્શન સંસ્થાનાં ભાવિ સફર તરફનાં  વલણનો ઝોક પૂરો પાડે છે અને સંસ્થાને જૈસે થેની પરિસ્થિતિથી સદા બહાર ધકેલતાં રહેવાનું ચાલક બળ પૂરૂં પાડતું રહી શકે છે..
તેમની રચનાનાં શબ્દ ગઠનમાં જ જોઇ શકાય તેમ, દીર્ઘ દર્શન કથન વાંછીત ભવિષ્યનું મૂર્ત સ્વરૂપ છે. આ દીર્ઘ દર્શનની સફળતા માટે તેમાં મૂળભૂત વિચારધારા (મૂલ્યો) વણાયેલ હોય તે જેટલું જરૂરી છે, તેટલું જ જરૂરી છે તેનું એકદમ સ્પષ્ટ અને દૃઢ વિશ્વાસથી નિરૂપણ. અવિદ્યમાન, અસ્પષ્ટ કે કમજોર વિચારસરણીવાળું દીર્ઘદર્શન તો નિષ્ફળતાને સામે ચાલીને નોતરૂં આપવા બરાબર છે. સઢ વિનાની, મઝધારમાં ભટકી પડેલ, દિશાવિહીન, બિનઅંકુશ નૌકા જેવું જ એ દીર્ઘ દર્શન  બેહાલ બની રહે છે.
અહીં એક વાત ખાસ નોંધવી, અને સમજવી, જરૂરી છે કે દીર્ઘ દર્શન કથન આલેખનાભિમુખ છે. દીર્ઘ દર્શન ભવિષ્યોન્મુખ બૃહદ ચિત્રની રજૂઆત છે. ખેલના અંતને  દીર્ઘ દર્શન આખરી ઓપ આપે છે, અને સંસ્થાનાં અગ્રણીઓને સુનિયોજિત માર્ગદર્શન માટે જરૂરી એવું વ્યૂહાત્મક માળખું પૂરૂં પાડે છે જેના વડે અમલીકરણ સુનિશ્ચિત બની રહે છે.
ચાલો, પ્રેરણાદાયી વાતો ઘણી કરી, હવે થોડી વાસ્તવિકતાઓની વાત પણ કરીએ
માર્ગમાં આગળ શું છે તે ખબર પડે તો જીવન સરળ બની જ જાય. કેટલાંક અગ્રણીઓ દીર્ઘ દર્શનની બાબતે બહુ જ નબળા હોય છે – જ્યારે સામેની દિવાલમાં માથું અફળાવવામાં તેઓ તો નિપુણ હોય છે, તેવું પણ જોવા મળે છે. તો વળી કેટલાંક અગ્રણીઓનું દીર્ઘ દર્શન સાવ ખપ પૂરતું જ મર્યાદીત હોય છે - રસ્તામાં પડેલા પથરાઓથી તો તેઓ પોતાનાં વાહનને તારવી લે છે, પણ ટોળામાં તો જૂદા તરી નથી આવી શકતા. તો કેટલાંક અગ્રણીઓ એવાં હોય છે જેઓ દિગ્ગજ દીર્ઘ દર્શન ધરાવતાં હોય છે - એવાં જૂજ લોકો જે ક્યાંય પણ સંતાઇ રહેલી બાબતોનો પણ સ્વાભાવિકપણે તાગ મેળવી લેતાં હોય છે. સમજવાની વાત તો એટલી જ છે કે, જે દેખાતું હોય તેનાથી વધારે, તેની આગળ કે પાછળ પણ, કોઇ પણ જોઇ શકે છે, અને આપણે માનીએ છીએ તેટલું તે અઘરૂં પણ નથી.
શ્રેષ્ઠ નેતાઓ દરેક બાબતમાં સરળતાનું મહત્વ સમજે છે, તેમાં પણ ખાસ કરીને જ્યારે સરળતાનાં મહત્વને દીર્ઘ દર્શનના સંદર્ભમાં જોવાની વાત થતી હોય. જો દીર્ઘ દર્શન ખરા અર્થમાં સમજાઇ શકવામાં અસફળ નીવડશે તો તે વિષે ગેરસમજણો થશે કે તે ખોટી દિશામાં દોરી જશે અને, છેવટે તે અવગણના મેળવી રહેશે. જે દીર્ઘ દર્શન મૂલ્યાધારીત છે અને સરળ છે, તેનો પ્રચાર કરવો અને અમલ કરવો પણ સરળ બની રહે છે. જરૂર છે એટલી જ કે અગ્રણીઓ ઉચિત બાબતો પર જ ધ્યાન કેન્દ્રીત કરતાં રહે.
"શા માટે" પર ધ્યાન કેન્દ્રીત કરો અને પછીથી એ 'શા માટે'ને "કોણ"ની સાથે સાંકળી લો, જેથી કરીને "શું" અને "કેમ"ને આવરી લેતાં અમલીકરણનાં પગલાં સુનિશ્ચિત થઇ જાય - અને જો જો તેમાં પાછી વાર ન લગાડતા. ચાલો, મજાકની વાત બાજૂએ મૂકીએ... મારાં આ છેલ્લાં વિધાનને ફરી ફરી વાર જરૂરથી વાંચજો અને તમારાં મનમાં ઊંડે સુધી ઉતરી જવા દેજો.
વ્યાપારના વ્યવસાયમાં ખૂંપી ન જશો, પરંતુ નેતૃત્વના વ્યવસાયને અપનાવજો. નેતૃત્વનાં મૂળમાં, દીર્ઘ દર્શન (શા માટે)ને વ્યાખ્યાયિત કરવું અને સ્પષ્ટ રીતે રજૂ કરવું, અને પછી તેની સાથે જેમને લાગેવળગે તેવાં (કોણ) લોકોને તેની સાથે સાંકળી લેવાં - આ બંને, બહુ મહત્વનાંવ્યૂહાત્મક ઘટકો છે (નેતૃત્વ + ધ્યેય + લોકો = સંસ્કૃતિ).   એક વાર 'શા માટે" બરાબર સમજાઇ જાય અને 'કોણ' સુનિશ્ચિત થઇ જાય તે પછીથી જ નેતૃત્વની રણનીતિનાં 'શું' અને કેમ ઘટકો પરિપૂર્ણ કરાતાં હોય છે.જ્યાં પણ ધ્યેયાભિમુખ નેતૃત્વ સંસ્કૃતિ હશે ત્યાં માત્ર નફા માટે કરીને ચલાવતાં વ્યાપાર-વ્યવસાય કરતાં વધારે સારી, સાતત્યપૂર્ણ, કામગીરી જ જોવા મળશે.
બીજગણિતનાં સૂત્રની જેમ, નેતૃત્વ પ્રક્રિયામાં પણ  એક નિશ્ચિત ક્ર્મ છે. આજથી લગભગ ૨૦ વર્ષ પહેલાં મેં આ એક ક્રમ પ્રતિપાદીત કર્યો હતો, જે આજે પણ હજૂ એટલો જ પ્રસ્તુત જણાય છે:
 “મૂલ્યો દીર્ઘ દર્શનનો પાયો હોવાં જોઇએ, દીર્ઘ દર્શન કર્તવ્ય પ્રસ્થાપિત કરે છે, કર્તવ્ય પરથી વ્યૂહરચના ઘડાય છે, જેમાંથી હેતુનાં માળખાંની બાંધણી કરતાં લક્ષ્યો ઉભરે છે, અને જેમાંથી વળી સંસાધનો, માળખાંકીય સગવડો અને પ્રક્રિયાઓ નક્કી કરવા માટેની સંસ્થાની રણનીતિ આકાર લે છે, જેના વડે અમલીકરણની નિશ્ચિતતાને ટેકો થાય છે " ~ માઇક મ્યાટ્ટ , ૧૯૮૮
નેતૃત્વ સહેલું તો નથી, પણ એટલું બધું અધરૂં પણ નથી - નબળા અગ્રણીઓની કાચી સમજ અને અપૂર્ણ રજૂઆતને કારણે મામલો વધારે બીચકી ગયો છે. તેની સામે શ્રેષ્ઠ અગ્રણીઓને દરેક વાતને એકદમ સરળ બનાવી નાખવાની બક્ષિસ હોય છે - તેઓ ઉચિત વાત પર ધ્યાન કેન્દ્રીત કરે છે જેને કારણે તેમની પ્રક્રિયાઓ તેમને વધારે સર્જનાત્મક બનાવે છે, અને તેમનું નવીનીકરણ તેમને ગુંગળાવી નથી નાખતું. સરળતાની કાર્યકુશળતા અને અસરકારકતા પ્રતિભાને સંસ્થા તરફ આકર્ષે છે અને પ્રતિભાને, અને તેને પરિણામે સંસ્થાને, વિકસાવે છે, તેમ જ તંદુરસ્ત સંસ્કૃતિનું ઘડતર કરે છે. આ બધી સંરચનાઓ જ્યારે યોગ્ય સ્થાન પર ગોઠવાઇ જાય છે ત્યારે દીર્ઘ દર્શન એક સ્વાભાવિક વિસ્તરણ બની રહે છે, જેનો ઉપયોગ સંસ્થાની સફર માટેનાં દિશા સૂચક યંત્ર તરીકે પણ કરી શકાય.
અને છેલ્લે,  દીર્ઘ દર્શનને એક બહુ જ રૂપક ડાં ચિત્રની જેમ મઢાવીને રાખી શકાય તેવાં સુત્રોનાં સ્વરૂપે લખી નાખવાની ભૂલ તો ન જ કરશો. આવાં સૂત્રો એ ભીંતપર ટીંગાડેલાં જ રહી જતાં હોય છે, તેનો વાસ્તવિક જીવનમાં અમલ નથી થતો. કંપનીનું દીર્ઘ દર્શન તમામ કર્મચારીઓને સમજાય અને તેમનાં કામકાજમાં સાચા અર્થમાં ફળીભૂત થાય તે વધારે મહત્વનું છે.
તમે કાગળ પર શું લખો છો તે વિષે તમારાં ગ્રાહકોને કંઇ લેવાદેવા નથી. પરંતુ તમારૂં દીર્ઘ દર્શન કંપનીનાં ઉત્પાદનો, સેવાઓ અને ગ્રાહકો સાથેના વર્તાવમાં ઉતરી આવ્યું છે કે નહીં તેની તેઓ જરૂરથી નોંધ લેશે.
આટલું વાંચવાને કારણે, કંઈ વિચારો મનમાં ફૂટે છે?


મુખ્ય સંચાલક અધિકારીઓના, અમેરિકાના સર્વોચ્ચ અનુશિક્ષકો પૈકી એકમાં માઇક મ્યાટ્ટનું વિશેષ સ્થાન છે. તેઓ N2Growthના સ્થાપક અને  મુખ્ય સંચાલક છે. તેમણે Leadership Matters…The CEO Survival Manual અને તાજેતરમાં જ પ્રસિધ્ધ થયેલ Hacking Leadership જેવાં બહુખ્યાત પુસ્તકો લખ્યાં છે. તે ઉપરાંત Forbes, Psychology Today, The Washington Post, The Wall Street Journal, Entrepreneur, Chicago Sun Times, Success, Washington Times, Chief Executive Magazine જેવાં અનેક સામયિકોમાં પણ તેઓ પોતાના વિચારો લખતા રહે છે. તેમનો ટ્વીટર સંપર્ક @MikeMyatt છે.


v  અસલ અંગ્રેજી લેખ, The Value of Vision Series - Mike Myatt  લેખિકા જેસ્સૅ લીન સ્ટૉનરના બ્લૉગપર જુલાઇ ૧૧, ૨૦૧૩ના રોજ Guest Post વિભાગ  અને Mike Myatt, Value of Vision Series  ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ એપ્રિલ ૨૧, ૨૦૧૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો